Type to search

Sports ગુજરાતી

ભારતનો ઘરઆંગણે છેલ્લી 29 ટેસ્ટમાંથી માત્ર 1માં પરાજય…

Share

વિશાખાપટનમ ખાતે બુધવારથી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે.  ટીમ સંતુલન અને ફોર્મને જોવામાં આવે તો ભારત આ ટેસ્ટશ્રેણીમાં વિજય માટે હોટફેવરિટ રહેશે. ઘરઆંગણે ભારતનો જે દેખાવ રહ્યો છે તે ટેસ્ટશ્રેણીમાં દાવેદારી વધારે મજબૂત કરે છે. ભારત ૧ જાન્યુઆરી ૨૦૧૩થી અત્યારસુધી ઘરઆંગણે ૨૯ ટેસ્ટમાં રમ્યું છે. જેમાંથી તેનો ૨૩માં વિજય અને માત્ર ૧માં પરાજય થયો છે જ્યારે પાંચ ટેસ્ટ ડ્રો રહી છે. ભારતનો ઘરઆંગણે આ એકમાત્ર ટેસ્ટ પરાજય ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે થયો હતો.

આ ઉપરાંત ભારત ઘરઆંગણે ટેસ્ટશ્રેણીમાં હાર્યું હોય તેવું છેલ્લે નવેમ્બર ૨૦૧૨માં બન્યું હતું. જેમાં ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારતનો ૨-૧થી પરાજય થયો હતો. આ પછી ભારત ઘરઆંગણે સતત ૧૦ ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવી ચૂક્યું છે.

દક્ષિણ આફ્રિકાએ ભારતની ધરતી ઉપર એકમાત્ર ટેસ્ટશ્રેણી વિજય વર્ષ ૨૦૦૦માં મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકન  ટીમ ભારતમાં કુલ ૬ ટેસ્ટ શ્રેણીમાં રમ્યું છે. જેમાંથી તેનો ત્રણમાં પરાજય અને એકમાં વિજય થયો છે. દ.આફ્રિકાએ ભારતમાં છેલ્લે ટેસ્ટશ્રેણી જીતી ત્યારે સચિન તેંડુલકર કેપ્ટન હતો. ટીમમાં વસિમ જાફર, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, અજય જાડેજા, નયન મોંગિયા, અનિલ કુંબલે, અજીત અગરકર, જવાગલ શ્રીનાથ, મુરલી કાર્તિકનો સમાવેશ થતો હતો. બીજી તરફ હેન્સી ક્રોન્યેની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકા ટીમમાં ગેરી કસ્ટર્ન, હર્ષેલ ગિબ્સ, જેક્સ કાલિસ, લાન્સ ક્લુઝનર, શોન પોલોક, નિકી બોયે, એલન ડોનાલ્ડ જેવા પ્લેયર્સ હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *